તારી નિશાની લાગે

3 સપ્ટેમ્બર

છો   વેદ    વાંચનારાને    માનહાનિ   લાગે ,
પ્રસ્વેદ   પાડનારા   અમને   તો જ્ઞાની  લાગે.

મન  સાફ  હોય ત્યારે  દુનિયા  મજાની  લાગે,
આનંદ   ઉચ્ચ   લાગે    પીડા  ગજાની  લાગે.

બાળકને આખી  દુનિયા  બસ  એકલાની  લાગે,
ખોટું છે , એ  સમજતાં  એક જિંદગાની   લાગે.

પોણા  છ ફૂટની કાયા નહિતર  તો નાની  લાગે,
પડછાયા   લઈ  ફરો  તો તંગી  જગાની  લાગે.

ક્યારેક   ચાલી   ચાલી  તારા  સુધી  ન પહોચું,
ક્યારેક   ઠોકરો   પણ   તારી     નિશાની લાગે.

ડૉ. રઈશ મનીયાર

સૌજન્ય :  vishwadeep dot wordpress dot com

Advertisements

જિંદગીનો આ ટુંકસાર છે

27 ઓગસ્ટ

જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે
જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે
કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે
આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે.

મુકુલ ચોકસી

સૌજન્ય : jiguparmar dot wordpress dot com

મારી કોઈ ડાળખીમાં

24 ઓગસ્ટ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

અનિલ જોશી

સૌજન્ય : tahuko dot com

હું શું કરું ?

22 ઓગસ્ટ

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

સૌજન્ય : layastaro dot com

હોવું જોઈએ

18 ઓગસ્ટ

સીધું યા પરભારું હોવું જોઈએ,

દર્દનું સરનામું હોવું જોઈએ.

લોકને બસ હોય નિસ્બત એટલી,

તારું અથવા મારું હોવું જોઈએ.

માવજત માટે હશે રસ્તા ઘણા,

પણ દુવાનું ય બારું હોવું જોઈએ.

મોતની અલબત સફર છે એકલી,

જીવવું સહિયારું હોવું જોઈએ.

રૂપ, કૌશલ ને ગુણો ઓછા પડે,

‘કીર્તિ’, ગજવે નાણું હોવું જોઈએ.

…..કીર્તિકાન્ત પુરોહિત

સૌજન્ય : aasvad.wordpress.com

રોશની થઈ આંખમાં

25 જુલાઈ

રોશની  થઈ આંખમાં   અંજાય   છે
નવ્ય   રૂપે   તું   જ  તો   વંચાય  છે.

તું   અમાસી   રાતમાં   શોધી  શકે
શોધવાની  રીત  શું  અટવાય  છે ?

સાંજ  પડતાં  સૂર્ય  શણગારો  સજે
આપણી આ પ્રીત લ્યો છલકાય છે.

હાથમાં  તારા   હશે   કોની   ધજા ?
એજ    શંકાઓ   અહીં    ડંખાય  છે.

હોઠ  પર  અફવા  ચઢી રંગીન થઈ
એનો  તું  અસ્વાર  થઈ ખોવાય છે.

– અમિત ત્રિવેદી

સૌજન્ય : amittrivedi dot wordpress dot com

આ વાત સાવ સાચી છે

15 જુલાઈ

આ વાત સાવ સાચી છે,
સાવ ખોટે ખોટી બાફી છે;
પ્રેમ એ બીજુ કૈ નહિ,
પણ સરવાળો ને બાદબાકી છે.

અજર અમર છે એ,
સર્વત્ર વ્યાપ્ત છે એ;
આ વિશાળ વિશ્વ ના નકશા ની
એણે ક્યા શરમ રાખી છે?

છે એના પર સૌ ફિદા
આ વાત કરતા નથી બધા;
‘હોશ’એ તો માત્ર સાચી વાત,
તમારી સમક્ષ રાખી છે.

શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

સૌજન્ય: shreyastrivedi89.blogspot.com