Archive | *** કાવ્ય *** RSS feed for this section

મારી કોઈ ડાળખીમાં

24 ઓગસ્ટ

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

અનિલ જોશી

સૌજન્ય : tahuko dot com

Advertisements

આ વાત સાવ સાચી છે

15 જુલાઈ

આ વાત સાવ સાચી છે,
સાવ ખોટે ખોટી બાફી છે;
પ્રેમ એ બીજુ કૈ નહિ,
પણ સરવાળો ને બાદબાકી છે.

અજર અમર છે એ,
સર્વત્ર વ્યાપ્ત છે એ;
આ વિશાળ વિશ્વ ના નકશા ની
એણે ક્યા શરમ રાખી છે?

છે એના પર સૌ ફિદા
આ વાત કરતા નથી બધા;
‘હોશ’એ તો માત્ર સાચી વાત,
તમારી સમક્ષ રાખી છે.

શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

સૌજન્ય: shreyastrivedi89.blogspot.com

મારાથી રિસાઈ ગયેલો માણસ છું

28 મે

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું પાન હું હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખું પાંખું હું ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

કયારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

રાજેશ વ્યાસ “મિસ્કીન”

સૌજન્ય : ફૂલવાડી
http://vishwadeep.wordpress.com/2007/04/04/

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ

27 મે

રે…. વણઝારા…… રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે…. વણઝારા……

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…

રે…. વણઝારા……

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે…. વણઝારા……

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…

રે…. વણઝારા……

તારા ટેરવે તણાયા મારા તમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.

વિનોદ જોષી

સૌજન્ય : જયશ્રી ભક્તા
http://jhbhakta.blogspot.com/2006/09/blog-post_11.html

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?

23 મે

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

ચિનુ મોદી ‘ઇર્શાદ’

સૌજન્ય : ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો
http://www.forsv.com/guju/?p=228

શબ્દનાં સુપ્ત પડ ઢંઢોળ તું

22 મે

શબ્દનાં સુપ્ત પડ ઢંઢોળ તું
અનાહત નાદ રવને ખૉળ તું

વતનના છાપરાને પ્યાર કર
કદી નેવે થશે તરબોળ તું

સવાલો એટલા પણ પૂછ ના
થશે નાહક સભામાં ટૉળ તું

અસલમાં મંજિલે છે તું ને તું
વહી જા, છોડ ખાંખાખૉળ તું

પ્રણવના બીજમંત્રે સ્થિર થઇ
સમયના છંદ-લયને તૉળ તું

તને નહિ, લોક પૂજે સૂર્યને
અદેખો અંધ વડવાગોળ તું

હયાતી છે નશો અસ્તિત્વનો
અમલ એનો ગરલમાં ઘોળ તું

કરમને કર્મથી પલટી શકે
વળાવી “કીર્તિ”નો વંટોળ તું.

કીર્તિકાન્ત પુરોહિત

સૌજન્ય : ઝાઝી.કોમ
http://my.zazi.com/index.php?option=com_content&view=article&id=444:2010-05-21-02-55-17&catid=79:2010-04-17-23-55-20&Itemid=292

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ

21 મે

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર

સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મહેશ શાહ

સૌજન્ય : મીતિક્ષા.કોમ