Archive | સાહિત્યકાર RSS feed for this section

તારી નિશાની લાગે

3 સપ્ટેમ્બર

છો   વેદ    વાંચનારાને    માનહાનિ   લાગે ,
પ્રસ્વેદ   પાડનારા   અમને   તો જ્ઞાની  લાગે.

મન  સાફ  હોય ત્યારે  દુનિયા  મજાની  લાગે,
આનંદ   ઉચ્ચ   લાગે    પીડા  ગજાની  લાગે.

બાળકને આખી  દુનિયા  બસ  એકલાની  લાગે,
ખોટું છે , એ  સમજતાં  એક જિંદગાની   લાગે.

પોણા  છ ફૂટની કાયા નહિતર  તો નાની  લાગે,
પડછાયા   લઈ  ફરો  તો તંગી  જગાની  લાગે.

ક્યારેક   ચાલી   ચાલી  તારા  સુધી  ન પહોચું,
ક્યારેક   ઠોકરો   પણ   તારી     નિશાની લાગે.

ડૉ. રઈશ મનીયાર

સૌજન્ય :  vishwadeep dot wordpress dot com

Advertisements

હું શું કરું ?

22 ઓગસ્ટ

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

સૌજન્ય : layastaro dot com

હોવું જોઈએ

18 ઓગસ્ટ

સીધું યા પરભારું હોવું જોઈએ,

દર્દનું સરનામું હોવું જોઈએ.

લોકને બસ હોય નિસ્બત એટલી,

તારું અથવા મારું હોવું જોઈએ.

માવજત માટે હશે રસ્તા ઘણા,

પણ દુવાનું ય બારું હોવું જોઈએ.

મોતની અલબત સફર છે એકલી,

જીવવું સહિયારું હોવું જોઈએ.

રૂપ, કૌશલ ને ગુણો ઓછા પડે,

‘કીર્તિ’, ગજવે નાણું હોવું જોઈએ.

…..કીર્તિકાન્ત પુરોહિત

સૌજન્ય : aasvad.wordpress.com

તું વરસાદી વાતો લઈને આવ સજનવા

7 જુલાઈ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

સૌજન્ય : ઉર્મિસાગર ડોટ

ગઝલ તો હતી

6 જુલાઈ

તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!

અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહીં,
મિલનનું સ્વપ્ન રૂપે હોવું એ ગઝલ તો હતી!

નજરની બ્હાર બધાં દ્ર્શ્ય તો રહી જ ગયાં,
સમયનું આ અરવ રોવું એ ગઝલ તો હતી!

વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!

‘કિશન’ કહે તો હવે શું કહે તમારા કંઇ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!

હરકિશન જોશી

સૌજન્ય : ટહુકો ડોટ કોમ

ચાહું છું મારી જાતને

30 જૂન

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

શેખાદમ આબુવાલા

હું તારે ઈશારે ચાલું છું

4 જૂન

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

સૌજન્ય : લયસ્તરો ડોટ કોમ