Archive | અઝીઝ કાદરી RSS feed for this section

વેદનાઓનું પ્રસારણ જોઈ લે

14 મે

વેદનાઓનું પ્રસારણ જોઈ લે
વાત મારી માન દર્પણ જોઈ લે.

ગર્વ કરનારા યુવાની પર સમજ
ડેલીએ બેઠું છે ઘડપણ જોઈ લે.

તારા હૈયામાં હતી જેની છબી
આ રહી એની કબર પણ જોઈ લે.

તારા શબ પર પોક મૂકી ચૂપ થયું
આ રહ્યું દુનિયાનું સગપણ જોઈ લે.

માત્ર તારા કારણે આ શહેરમાં
મારી બદનામી અકારણ જોઈ લે.

બાથ ભીડી છે દુઃખો સામે “અઝીઝ”
જોઈ લે મારી મથામણ જોઈ લે.

અઝીઝ કાદરી

સૌજન્ય : ગુજરાત સેન્ટર