Archive | હરદ્વાર ગોસ્વામી RSS feed for this section

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું

13 મે

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.

દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.

આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો
બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું.

સઘળી સગવડ સુરજની એને આપી છે,
મે’માન બને જો અંધારું ગુજરાતી છું.

અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.

વિશેષણોના વન છે તારી આગળ પાછળ,
મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું.

ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.

હરદ્વાર ગોસ્વામી

સૌજન્ય : રીડગુજરાતી

http://www.readgujarati.com/sahitya/?p=1134

Advertisements