ખલકતની સાહ્યબી તો તમારે રહી ગઈ

15 જુલાઈ

ખલકતની સાહ્યબી તો તમારે રહી ગઈ,
સહુ અલ્પતા જ ભાગે અમારે રહી ગઈ !

આહો, રુદન અમારા છુપાયા ન રાતથી,
ઝાકળ રૂપે નિશાની સવારે રહી ગઈ !

સારું થયું હે કાળ ! સમય સાચવી ગયો,
અમ આબરૂ તો તારા પ્રહારે રહી ગઈ !

કહેવી ઘણી ય વાત હતી કિંતુ હે ખુદા,
જીવન-કિતાબ મારી મઝારે રહી ગઈ !

લાવીને માંડ આયખું મંઝિલ ઉપર ‘સમીર’,
જોયું તો હસરતો જ ઉતારે રહી ગઈ !

મહેન્દ્ર સમીર

ખલકત= સૃષ્ટિ, દુનિયા

સૌજન્ય : આસ્વાદ ડોટ વર્ડપ્રેસ ડોટ કોમ

Advertisements

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર

11 જુલાઈ

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર

-સાંઈરામ દવે

સૌજન્ય: shreyastrivedi89 . blogspot . com

વીરા!

7 જુલાઈ
ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા!
જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા!

ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા!
નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા!

પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા!
વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા!

ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા!
પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા!

રહસ્યો વેદનાં ખૂલશે કદી પ્રસ્વેદથી,
બનો કર્મઠ, કર્મોની ગત ગહન વીરા!

-ડો.ગુરુદત્ત ઠક્કર.
સૌજન્ય : neetnavshabda dot blogspot dot com

તું વરસાદી વાતો લઈને આવ સજનવા

7 જુલાઈ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

સૌજન્ય : ઉર્મિસાગર ડોટ

મારા વ્હાલાને વઢીને કે’જો

7 જુલાઈ

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

સૌજન્ય : ટહુકો ડોટ કોમ

ગઝલ તો હતી

6 જુલાઈ

તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!

અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહીં,
મિલનનું સ્વપ્ન રૂપે હોવું એ ગઝલ તો હતી!

નજરની બ્હાર બધાં દ્ર્શ્ય તો રહી જ ગયાં,
સમયનું આ અરવ રોવું એ ગઝલ તો હતી!

વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!

‘કિશન’ કહે તો હવે શું કહે તમારા કંઇ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!

હરકિશન જોશી

સૌજન્ય : ટહુકો ડોટ કોમ

ચાહું છું મારી જાતને

30 જૂન

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

શેખાદમ આબુવાલા