શોધવા નીકળ્યાં!

26 જૂન

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,

નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો

ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ,

સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,

ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,

મીંચી પાંપણ છતાં સપનું અનેરું શોધવા નીકળ્યાં!

-ગુરુદત્ત ઠક્કર.

Advertisements

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે

19 જૂન

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.

પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?

એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!

ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને–
આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા પ્રિયે?

આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પ્હોંચાડવાં પ્રિયે?

કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંના ઝાંઝવાં પ્રિયે!

હર્ષદ ત્રિવેદી

સૌજન્ય : jaydeep dot wordpress dot com

લે!

11 જૂન

આ રહ્યો ભૂતકાળ લે!
ગમે તો પંપાળ, લે!

ચાવી નથી ઘડીયાળની
થીજી ગયો આ કાળ, લે!

કરોળિયો સંબંધનો
મૂકી ગયો જંજાળ, લે!

બર્ફીલા પ્હાડો યાદનાં
ભીંજવશે -ઓગાળ, લે!

નીકળ્યા ખુદની શોધમાં,
મળી ખુદાની ભાળ, લે!

-ગુરુદત્ત ઠક્કર

સૌજન્ય : નીતનવશબ્દ ડોટ બ્લોગસ્પોટ ડોટ કોમ

સાજણ(ગીત)

6 જૂન
સાજણ તારા નેણ થકી તુ એવાં વેણે બોલ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ,
વાદળીયા વે’વાર જગતનાં
સદા રહે ના નેહ નીતરતાં,
લાગણીયા વે’પાર કરીને
દલડાં સાથે ખેલ એ કરતાં
કોરાં પૂમડાં ખોસ્ય નહીં ’ને ભેની ફોરમ ઘોળ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…
કંકુવયણી આશ્યોનાં તો
તોરણીયાં બાંધ્યા હરખઈ,
કોકરવયણી રાત્યોમાં તો
ખાટી મેઠી વાત્યો થઈ.
રાતે સમણે આંખ મળી તો પડખાંને હંકોર વાલમ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ।
…..સાજણ…
પરોઢિયાની પાળ્યે બેહી ગીતડાં ગાશું ગોરસીયાં,
બપોરમાં ખેતરના શેઢે ચીતડાં પાશું પોરસીયાં.
દેહ નીતરતી હાંજ ઢળી તો નેહની નેક્યો ખોલ વાલમ
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ…
…..સાજણ…
-ડો.નવનીત ઠક્કર.
સૌજન્ય : નીતનવશબ્દ ડોટ બ્લોગસ્પોટ ડોટ કોમ

શના કુંભારના હસ્તે

5 જૂન

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું

ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું

મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો
યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું

બજવણી થઈ ન’તી આરોપનામાની હજી તો’યે
હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું

કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સ્રુષ્ટા
જીવે છે મોજથી કુંતી રહ્યો હું તો નમાયો છું

ચલોને એ રીતે પણ થઈ ગયો ક્રુતગ્ન છુ યારો
ઉછેર્યો લાડથી એ કર વડે ઈદે કપાયો છું

લખ્યું’તુ નામ કેવળ મ્યાન પર કો’કે વલી મોહમ્મદ
સનત જોષીના હસ્તે એ જ તલવારે હણાયો છું

પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું॥

-નવનીત ઠક્કર।

સૌજન્ય નીતનવશબ્દ ડોટ બ્લોગસ્પોટ ડોટ કોમ

સેતુ

4 જૂન

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,
જો નથી મલતા લકિરમાં તો નસીબને કોસું છું.

હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,
ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,
તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી શોધુ છું,
વિખરાયેલા સબંધોને જોડવાની રીત શોધુ છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,
તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.


ધડકન


સૌજન્ય : dhadakankavita dot blogspot dot com

હું તારે ઈશારે ચાલું છું

4 જૂન

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

સૌજન્ય : લયસ્તરો ડોટ કોમ